રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવકની કરાઈ હત્યા

 રિસામણે બેઠેલી પત્નીને મળવા જતા મીઠાપુરના યુવકની કરાઈ હત્યા

મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આ યુવકની હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકની હત્યા કરી નાંખતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.

મળતી માહિતી અનુસાર, દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક નામના આશરે 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુઃખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.

આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માણેક પોતાના માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા ભઠડ અને સાસુ ધનબાઈ બુધાભા ભઠડ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા.

રિસામણે આવેલી પત્નીને મળવા આવેલા પતિ પત્નીએ પોતાના ભાઈ અને માતા સાથે મળીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી મૃતકને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે.