પાકિસ્તાને બનાવી કોરોનાની ઘરેલું વેક્સિન, લોન્ચ કરી પાકવૈક

 પાકિસ્તાને બનાવી કોરોનાની ઘરેલું વેક્સિન,  લોન્ચ કરી પાકવૈક

કોરોનાના સંકટ વચ્ચે પાકિસ્તાને પોતાની એક હોમમેડ વેક્સિન લોન્ચ કરી છે. પાકિસ્તાને આ વેક્સિનનું નામ PakVac Covid-19 Vaccine રાખ્યું છે. જોકે આ વેક્સિન કેટલી પ્રભાવી છે, દર્દી પર તે કેટલા ટકા અસરકારક રહેશે અને તેની ટ્રાયલનું રિઝલ્ટ શું આવ્યું આ અંગે કોઈ જાણકારી નથી આપવામાં આવી.

ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન અને નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર પ્રમુખ અસદ ઉમરે સ્વદેશી કોરોના વેક્સિન લોન્ચ કરી હતી. સાથે જ તેમણે ટૂંક સમયમાં જ દેશ કોરોનાની એક મહત્વપૂર્ણ દવાનું ઉત્પાદન શરૂ કરવા સક્ષમ હશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ફૈઝલે કહ્યું કે અમારી ટીમને આ રસી તૈયાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, ચીન અમારા મિત્ર તરીકે અમારી સાથે મજબૂતી સાથે ઉભું રહ્યું. રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓની ટીમે પણ સરસ કામગીરી બજાવી.

સુલ્તાને વધુમાં જણાવ્યું હતું કે કાચા માલમાંથી રસી તૈયાર કરવી એ પોતાનામા એક મોટો પડકાર છે. આજે અમને ગર્વ છે કે અમારી ટીમે બધી મુશ્કેલીઓ હોવા છતાં રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ માટે તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને આ પગલાથી દેશમાં વેક્સિન સપ્લાયમાં તેજી આવશે તેમ જણાવ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં તૈયાર થયેલી વેક્સિન આકરી ટ્રાયલ, ગુણવત્તા, તપાસ અને માનવ પરીક્ષણમાંથી પસાર થઈ હોવાની માહિતી આપી હતી.