નવજોત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાનો કર્યો વિરોધ, ઘર પર લહેરાવ્યો કાળો ઝંડો

 નવજોત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાનો કર્યો વિરોધ, ઘર પર લહેરાવ્યો કાળો ઝંડો

આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને સમર્થન આપવા પોતાના ઘર ઉપર કાળો ઝંડો ફરકાવ્યો હતો. નવજોત સિંહે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ પોતાની પત્ની સાથે ધાબે વાવટો ફરકાવી રહ્યા છે.

વીડિયોમાં નવજોત સિંહ કહે છે કે, છેલ્લા 20-25 વર્ષથી ઘટી રહેલી આવક, વધી રહેલા દેવાના કારણે ખેડૂતો પરેશાન છે અને પંજાબના ખેડૂતોએ આંદોલન કરવું પડી રહ્યું છે. પંજાબ આજે એક સાથે 3 કૃષિ કાયદા વિરૂદ્ધ લડી રહ્યું છે. આ ત્રણેય કાયદા ખેડૂત, મજૂર અને વેપારીઓના પેટ પર લાત મારનારા છે. જો આ ત્રણેય કાયદા પાછા નહીં ખેંચવામાં આવે તો પંજાબ ફરી ઉભું નહીં થઈ શકે. હવે મારા ઘર ઉપર કાળો વાવટો લાગી ગયો છે. તે નવા કાયદાઓની વિરોધ માટે છે. જ્યાં સુધી ત્રણેય કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી આ કાળો વાવટો ઉતરશે નહીં.

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વખત ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં જ તેમના બાગી તેવર જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા કેટલાક સમયથી સામસામે આવી ગયા છે. 

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સિદ્ધુએ જે નિવેદનો આપ્યા તે પંજાબ સરકાર માટે ગળામાં ફાંસ સમાન બની ગયા છે. આ કારણે તાજેતરમાં જ પંજાબ સરકારના અનેક મંત્રીઓએ પાર્ટી સ્તરે સિદ્ધુ પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક નિવેદનમાં સિદ્ધુએ કહ્યું હતું કે, પાર્ટીના નેતાઓ પણ એવું માને છે કે, રાજ્યની નોકરશાહી હજુ પણ બાદલ પરિવાર જ ચલાવી રહ્યો છે. તેમના આ નિવેદનને લઈ ભારે ધમાલ થઈ હતી.