અમેરિકામાં ગાયના સ્પર્શથી તણાવ દૂર કરવાનો નવો ટ્રેન્ડ

 અમેરિકામાં ગાયના સ્પર્શથી તણાવ દૂર કરવાનો નવો ટ્રેન્ડ

ભારતમાં સદીઓથી ગૌવંશનું પાલન પોષણ થાય છે પરંતુ અમેરિકામાં ગાયોને ભેટવાનો અને ગાય સાથે રહેવાનો એક ટ્રેન્ડ શરુ થયો છે આને કાઉ કડલિંગ થેરાપી કહેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટ્રેસ અને એન્જાઇટીમાં રાહત આપતી આ થેરાપીની શોધ હોલેન્ડમાં થઇ હતી ત્યાંથી હવે અમેરિકામાં આવી છે. ખાસ કરીને કોરોના વાયરસની મહામારી દરમિયાન આનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે. કોરોનામાં એક માણસ ભલે બીજા માણસને ભેટી શકતો ના હોય પરંતુ તે ગાયને અવશ્ય ભેટી શકે છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આ થેરાપી અમેરિકાના હવાઇ, ન્યૂયોર્ક, ટેકસાસ અને લોસ એન્જેલસમાં ખૂબજ લોકપ્રિય થઇ રહી છે. ગાય સંવેદનશીલ પ્રાણી હોવાથી તે પણ પ્રતિભાવ આપે છે. ઘણા થેરાપી સંગઠનો નહી નફા નહી નુકસાનના ધોરણે આ થેરાપી પર ભાર મુકી રહયા છે. કયાંક વ્યવસાયિક ધોરણે ૧ કલાકના ૨૦૦ ડોલર પણ વસૂલવામાં આવે છે. આ આવક આવે તેમાંથી ગાયોનું પાલન-પોષણ કરવામાં આવે છે.  આ માટે ખાસ કરીને રેસ્કયૂ કરવામાં આવેલી ગાયોને ખુલ્લા ઢોરવાડામાં રાખવામાં આવે છે. એક માહિતી મુજબ ગાય જેવા પશુઓને ભેટવાથી કે સ્પર્શ કરવાથી ઓકિસટોસિન હોર્મોન્સ નિકળે છે જેનાથી આરામ અને શાંતિનો અનુભવ થાય છે.

દર અઠવાડિયે એક વાર ગાય સાથે રહેવાથી લાંબા સમયથી ચાલતું ડિપ્રેશન મટી જાય છે એવો દાવો કરવામાં આવે છ. આમ તો કોઇ પણ માસૂમ જાનવરને સ્પર્શ કરવાથી હળવાશનો અનુભવ થાય છે. ઘરમાં પાલતું જાનવર રાખવા પાછળ મન હળવું રાખવાનો જ હેતું હોય છે પરંતુ ખુલ્લા વાતાવરણમાં ગાય સાથે રહેવાની થેરાપી લોકોને વધારે ગમવા લાગી છે. ભારતમાં તો સદીઓથી માનવીઓ અને ગાય જેવા પશુઓનું સહ જીવન રહયું છે પરંતુ વિદેશમાં આ નવી બાબત છે જેનો પ્રચાર વધી રહયો છે.